Posted by: પ્રશાંત સોની | માર્ચ 28, 2011

હૈયું આવ્યું હોઠે

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

છલોછલ મંદિરો માં ભક્તિ જોઉં છું;

કાળા નાણાની કરમુક્તિ જોઉં છું;

શયતાનો ની યુક્તિ જોઉં છું;

શિયાળ કાગની રમત જોઉં છું;

વાડને ચીભડા ગળતી જોઉં છું;

હાટડીઓ હરીનામની ધમધમતી જોઉં છું;

ઈશ વેચી ને મર્સીડીઝ જોઉં છું;

થતી હરી-હરની  હોળી  જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું;

ખુમારી મામુલી પર નભતી જોઉં છું;

અકળાતી અસ્મિતા જોઉં છું;

દિલની દુર્બળતા જોઉં છું;

મનની મલિનતા જોઉં છું;

બાળક પર દબાણ જોઉં છું;

જુવાન ના ગુમાન જોઉં છું ;

ઘરડા ના ગમાણ જોઉં છું ;

મની માં સૌ મગન જોઉં છું;

પગલે પગલે પાષાણ જોઉં છું;

ડગલે સઘળે  ભેલાણ જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

ઘેર ઘેર થતી કુસ્તી  જોઉં છું;

હર હૈયે હાય હાય ને જોઉં છું ;

હર પગલે લહાય લહાયને  જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

હૈયાની હાડમારી જોઉં છું;

સ્ત્રી શિયળ લુંટવતી જોઉં છું;

વિખરાતા કુટુંબોની વસતી જોઉં છું;

માં સંસ્કૃતિ ને કણસતી જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું;

દિલની પાયમાલી જોઉં છું;

બુદ્ધિની બલિહારી જોઉં છું ;

લાગણીઓ ની લયકારી જોઉં છું;

ઘર એક દફતર સરકારી જોઉં છું;

સમાજ ની અસમજ્દારી જોઉં છું ;

દેશમાં ફેલાયેલ બેદરકારી જોઉં છું; 

થતી માનવ્ય ની અધોગતિ જોઉં છું;

મુઝાતી માને ટળવળતી  જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

બદબૂ દેતા બદન જોઉં છું;

મૃત હૈયાના ચલન જોઉં છું ;

તેજહીન વદન જોઉં છું ;

હાલતા ચાલતા કફન જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું.

બદબૂ દેતા બદન જોઉં છું;

મૃત હૈયાના ચલન જોઉં છું ;

તેજહીન વદન જોઉં છું ;

હાલતા ચાલતા કફન જોઉં છું;

પરિસ્થિતિ ખરેખર વણસતી જોઉં છું. 

Advertisements

બે શબ્દ તે ‘પલાયનવાદ’ બીજો ‘અભિગમ’ ..
કહેવાતા વેવલા ધર્મથી માનવ પોતાની જાત પરનો પોતનો વિશ્વાસ, પોતાની બુદ્ધિ પરનો વિશ્વાસ ગુમાવી બેઠો છે, બુદ્ધિજીવી બુધ્ધિનિષ્ઠતા ખોઇ બેઠો છે. અને પ્રસાદમાં? અઢળક અંધશ્રધ્ધા, વાડવિનાના વહેમ, જટીલ જડતા, ભારોભાર ભાવવિહીનતા અને નિસ્તેજ નિષ્ક્રિયતા કોણ જાણે કેટકેટલું પામ્યો છે. ગુમરાહ ધર્મ સમજણની સ્મશાનયાત્રા કાઢતો રહ્યો છે અને હરિ જાણે!  કેવા-કેવા  અભિગમની આહુતિ આપતો રહ્યો છે!!
પ્રવાસમાં પગછુટો કરવા જાય તેમ ધર્મમાં જાણે મન છુટું કરવા; કોઇ પણ ગુરુ ઘંટાલના બક્વાસને બહાલી આપવા લાગ્યો.
આવા ચમત્કારાધિષ્ઠિત ધર્મના પહેલા ખોળાનું બાળક એ જ ‘પલાયનવાદ’, જેણે બ્રહ્મહત્યાથી ય ઘોર પાતક કર્યુ છે. અનેક ખિલતી કળીઓની સુવાસમાં ક્રુત્રિમતા, અનેક બાળકમાં ગો-પાળના ઘડતર વચ્ચે એક પાળ ઉભી કરી છે. એ ક્યારે પાળ પાડી શકશે? પલાયનવાદ અનેક પેઢીઓની ઘોર ખોદતો રહ્યો છે. અવિવેકનો અન્નકુટ કરતો રહ્યો છે, ભ્રષ્ટાચારનો ભોગ પુર્ણભાવથી ધરી રહ્યો છે. આવા ભક્તિના ગાંડાપુરમાં ભગવાનપણ કૃતકૃત્યતા અનુભવતા હશે.નહિ?

ભાંગ પીને બેઠેલા આપણે, ભગવાનને ભાગવા માટેની અને ભાંગવા માટેની એકેય જ્ગ્યા ખાલી નથી રાખી. કાચલીની પૂજા માં કૃતકૃત્યતા અનુભવતા આપણે સાચી સમજ્ણનો સાર્વત્રિક સ્યુસાઇડ કરી નાખ્યો છે.ભાવશૂન્ય મંદિરો બનાવીને આપણા પાપોને ઇટાલીયન મારબલ જેવા ચકચકિત કરી દીધા છે. વિઠ્ઠ્લનો વેપાર કરતાં મને જરાય ક્ચવાટ, ખચકાટ નથી. છતાં ગાઇ બજાડીને “મેરા ભારત મહાન”?

પોતાની વિચારશક્તિને માઇક્રોસોફ્ટમા જ શીફ્ટ કરનાર, પોતાની વિચારશક્તિ ને ગુગલમાં ગિરવે મુક્નાર ગુગલગ્રસ્તને આ નહિ દેખાતું હોય? અબુધની અણસમજ કરતાં અનેક ઘણી ઘોર, અપટુડેટ એમ.બી.એ ની અક્રિયાશીલતાએ ખોદી છે. આપણા હૃદયનો એનેસ્થેસિયા કોણ ઉતારશે?

ધર્મના નામે ધતિંગ બહુ કર્યા. હવે ધાડ મારવાનો વખત છે. રુઢિગત-સંસ્થાગત ધર્મના ધોતિયા કાઢીને, માનવગત, શાંતિગત, સમાધાનગત ધર્મ આ મા ભોમ -ધરતી ને ધરવો પડશે. મેક્સિક્ન રાઇસ અને ચાઇનીઝ રાઇસ ને બુફેમાં એક્સાથે જમનારા ને ઝઘડતાં જોયાં છે? બુફેભોજનમાં જેમ પોતે  પોતપોતાની રુચિમુજ્બ વાનગી પીરસે, તેમ ધર્મ પણ  સંસ્થા મટીને માનવ ઉન્નતિનું ઉદભવસ્થાન ત્યારે જ બને જ્યારે તેની વ્યક્તિગતતા ને મોકળાશ હોય,  જેમાં શુધ્ધ હવાને આવકારવાની બારી હોય, ખામીઓને ખંખેરવાની મથામણ હોય અને નવા ઉન્મેષોને ઝીલવાનું સામર્થ્ય હોય.

 

   
       આપણા વિશ્વફ્લક્માં દુર્યોધન મળે તો ઓળખવામાં જરાય વાંધો નથી આવતો, કંસ, ધૄતરાષ્ટ્ર, શકુનિઅને પુતના ને પળભરમાં જ પારખી જવાય છે, પરંતુ, વિશ્વનિયંતા વાસુદેવ,  વાટે ને ઘાટે વળી વળીને રોજ મળે તો ય તેને ઓળખવાનું ચૂકી જવાય છે. આપણું વિજ્ઞાન એને ઓળખવાનું  એન્ટેના કેમ નથી શોધી શકતુ?
  
       મને એમ લાગે, કે આપણે વિ-જ્ઞાન યુગમાં નહિ પણ  વિ-તાણ( વિશેષ-તાણ) યુગમાં આપણી જાતને તાણી બેઠા છે.  જાણે કે વિતાડયુગ. આપણા શુભહ્સ્તે  તાણમાં પ્રાણ પુરીને બને તેટ્લું વધુ પોતાની જાત ઉપર અને બીજા ઉપર વિતાડવાનું  વ્રત લઇને બેઠા છીએ. લાગે છે  કે વારસો સાચવી રાખ્યો છે, તમને થશે કે વારસો? હા!  કેમ?  તે કહું. પાષાણયુગમાં માનવ જંગલી જાનવરોથી તાણ પામતો હશે;  આજે સભ્ય જાનવરોથી. મહાભારતકાળમાં આતતાતીઓ હતા; આજે ય ત્રાસવાદીઓ છે.  સદીઓ પહેલાં શિકારની શોધમાં રઝળપાટ કરનારો આજે ટ્રેનમાં કે પછી કારમાં માઇલોની રઝળપાટ કરે. વેશ્યાગૄહ, ભ્રષ્ટાચાર આજનાં નથી. ટૂંકમાં, માણસ બદલાયો નથી, માત્ર વિગતો બદલાઇ છે.
  
      ઉપકરણોની  ઉત્ક્રાંતિ એ કોદાળીથી કોમ્પ્યુટર કે રથ થી રોલ્સરોય સુધીની ભલે હોય પણ જરાક ડુબકીમારીને વિચારીએ તો વિજ્ઞાનયાત્રા, સરળતા થી સંકુલતા તરફની દેખાય. મગજની રચના, જીનેટિક એન્જીનિયરીંગ, નેનોટ્ક્નોલોજી સરળ નથી. 
       
      વિજ્ઞાનવિકાસ વિશ્વના વિરાટ સંકુલીકરણ ( કોમ્પ્લેક્સિફિકેશન)નું પ્રતિબિંબ માત્ર છે. સંકુલતા વધતા સરળતા ઘટતી જ્ણાય, હજી કઇક ખૂટે છે એવું લાગ્યા કરે, તે છે તે  સહજતા.  ખોઇ બેઠો છે એવી સરળતા કે જે  સો ટચ નો પ્રેમ અને આનંદ હોય. તેની ઝંખના સાલે છે.આજના યુગની પણ યુનિવર્સલ માંગ છે.
 
 
      દેવર્ષિ નારદે આજના અતિઆધુનિક માનવની બન્ને ઝંખનાને આબેહુબ રીતે એકસૂત્રમાં પરોવી લીધી હતી;  તે ઝંખનાઓ છે;  પ્રેમ અને આનંદ.અને તેની ગંગોત્રી આત્મા છે.  નારદ કહેઃ ‘સા ત્વસ્મિન પ્રેમસ્વરુપા અમ્રુતસ્વરુપા ચ’.  આનાથી ચઢિયાતી ભક્તિની વ્યાખ્યા મળવી મુશ્કેલ છે.
 
 
      ભક્તિને  અમૃતતુલ્ય ગણાવી તેનું રહસ્ય શું? જો એમ હોય તો શું આજના યુગમાં ભક્તિમાર્ગ સહાયરુપ છે?  આમ તો દેખાય છે ભક્તિનું પુર! તો પછી દેખાતી રહેલી ભક્તિમાં ભારોભાર ભ્રાંતતા, વેવલાપણું કેમ? આજની ભક્તિ આટલી અપ્રતિષ્ઠિત કેમ? આવી ભક્તિ જોયા પછી ઉબકા કેમ નથી  લાવતી? ભક્તિ બાબતે ભણેલો વર્ગ ભોટ કેમ રહ્યો છે ?   વિચારવું પડશે અને વિચરવું પણ રહ્યું જ…
હે મનના માણીગર,
શું કહું તને?  મને કહેવું છે ઘણું પણ વહે  છે થોડું.
અંતરના ભીતરમાં ભરાઈ રહેલ ડૂમો, ઝાંઝવાના નીરની જેમ  સુકાઈ ને સરસ્વતીનો  સુક્કો  કાંઠો  બની રહ્યો છે. ક્યારેક થાય કે લાવને  આ ઓશિયાળી બનેલી એકલતાને અનુરૂપ કઈક અનુકુળતા કરું! ત્યારે કોઈ વળી સુરા, તો કોઈ સ્ટીરીયો ને કોઈ વળી સૂર કે સ્નેહીની સંગત સામે ધરે !  વાહ દુનિયા !!
 
            ત્યારે કોઈક કવિની પંક્તિ સ્મરી જાય: ” આમતો  હું સાવ એકલો ને તોયે  હું ભર્યો ભર્યો”…ને   કોઈ અજ્ઞાત પક્ષી ક્ષણિક અંતરના આંગણે આવીને એકાંતમાં ટહુકી કરી જાય અને જાણે કે ઐશ્વર્યનો આવિર્ભાવ…
 
હમણા રોબર્ટ ફ્રોસ્ટનાં કાવ્યનું ભાષાંતર વાંચવાનું  થયું:
    
            જંગલમાં બે રસ્તાઓ ફંટાયા
            પરંતુ
            મેં ઓછી ખેડાયેલી વાટ પકડી
            અને
            બધો તફાવત એણે સર્જી  દીધો.
મિત્રો, શ્રીમદ  ભગવદ ગીતાજી એને   ” અંતર્જ્યોતિ” શબ્દ પ્રયોજે છે. હું તેની આત્યંતિક શોધમાં છું. ભાળ મળે તો સત્વરે ભલામણ કરશો?
Posted by: પ્રશાંત સોની | નવેમ્બર 17, 2009

માણસને કુટેવ છે,ખોરવી નાખવાની.

           જંગલો નાશ પામે, બાયો- ડાયવર્સિટી એટ્લે જીવજંતુઓની જાતો ખોરવાય ત્યારે ઇકો સીસ્ટ્મ ખોરંભાય છે, જેથી દુકાળ પડે, પૂર આવે. સિસ્ટ્મ જળવાઇ રહે એ માટે કર્મ કરવું તેને ગીતા યજ્ઞ કહે. પ્રકૄતિની કોઇ સિસ્ટમ ના ખોરવાય એ રીતે કરેલા કર્મ યજ્ઞ છે. આવું બને ત્યારે આહાર પણ આહુતિ બને, કોઇ પણ પ્રક્રિયા યજ્ઞ થઇ શકે છે. સારાંશમાં,  યજ્ઞ એ પ્રત્યેક માનવની ફરજ બને છે. એનો ધર્મ છેઃ શરીરની, પોળની, સમાજની, ઓફિસની, પરિવારની, દેશની અને વિશ્વની સિસ્ટમની જાળવણી. એ જ યજ્ઞ.  એ કર્મયોગ એટલે યજ્ઞકર્મ.

          બિરબલની વાર્તામાં હોજમાં દૂધ રેડી આવવાની સૂચનાનો અમલ નથી થતો, બધા લોટો ભરીને પાણી રેડી આવે છે.આપણા જીવનમાં એવું જ બનતું રહે છે. કર્મચારી પગાર પુરતો લે છે પણ કામ બરાબર નથી કરતો. આવા પાણીનાં લોટા આપણા સમાજમાં ભારોભાર ઠલવાય ત્યારે સિસ્ટમ ખોરવાય છે,અનહ્દ દુઃખો-આપત્તિ અડ્ડો જમાવે છે,  કામચોરી, દિલચોરી, અને દાણચોરી જેવા અનેક રોગથી સમાજ ઉધઇગ્રસ્ત થાય છે અને સામાજીક પીડા વ્યક્તિને કોરી ખાય છે. જે એટલી હદ સુધી બેબાક્ળો બન્યો છે કે તેની વિહવળતા લગભગ રોગ કક્ષાએ પહોચી ગઇ છે, કપાયેલા પતંગ જેવો બેચેન છે.

            સિસ્ટમ ની જાળવણી ફરજભાન સિવાય શક્ય નથી. કૃષ્ણ આવા ફરજધર્મને સ્વધર્મ કહે છે. ગીતાજી સ્વધર્મનિષ્ઠાનું ઉદ્દાત્ત કાવ્ય છે. પણ તેને ભક્તિનો સંગાથ જોઇએ. નહિતો યાદવાસ્થળીની શક્યતા હાથવેગળી જ..

           શ્રી અરવિંદના વિષે વાતો કરવા માટે, સમજવા માટે મારી લાયકાત શું? પણ,  એમની વાતો કરતી વખતે આકાશને ગલેફ ચઢાવતા હોય તેવી લાગણી થાય.એમને વિશ્વનિર્મિતીથી ઓછું ક્શું ન ખપે.

           જ્ઞાતિ-પેટાજ્ઞાતિ, પંથ-પેટાપંથ, વાદ-પ્રતિવાદ, રાષ્ટ્રવાદ- રાજ્યવાદ અને પુર્વગ્રહો-અભિગ્રહોના બંદીવાન બની જીવનારા માનવમાટે શ્રી અરવિંદ કહેઃ

                          High architects of possibility 

                         And engineers of impossible.

          આપણે સૌ શક્યતાના સ્થપતિઓ અને અશક્યતાના ઇજનેરો છીએ. આપણે કોશેટામાંથી બહા્ર નથી આવી શક્તા. વળી, આપણી સંકુચિતતાનું અભિમાન પણ રહે. અસલ ‘સ્વ’ના અસ્તિત્વને દીવાલ વગરના  કેદખાનામા પુરીને, ઓઢી લીધેલ ઉપલકિયાપણાથી નિરાશ અને દુઃખી થવાના હ્ક નું જતન કરતા હોઇએ છીએ.

        આપણા યુગના સામાન્ય માણસ માટે આ દર્શન  તે મહાકાવ્ય  The Life Divene રુપે પ્રાપ્ત થયું. જેમાં વ્યક્તિગત ‘સ્વ’ને કોસ્મિક ‘સ્વ’ સાથે સંવાદિતા, આધ્યાત્મિક પૂર્ણતા એટલે શાશ્વત દિવ્યજીવન કરવાની વાત છે. જે  ભીતર તરફ જીવન ન વળે ત્યાં સુધી અશક્ય. સમય કાઢી વાંચવાની ભલામણ કરું છુ.

Posted by: પ્રશાંત સોની | નવેમ્બર 13, 2009

પ્રગતિ એ સમસ્યાની જનેતા છે.– G. K. Chesterton

મિત્રો,

               માહિતીના યુગમાં શ્વાસ લઇ રહ્યા છે. મગજનું સ્થાન કોમ્પ્યુટરે લીધું છે. છતાં મગજ જેટલી ક્ષમતા ધરાવતું નથી. ગણનનો બોજ ઘટી ગયો છે. ગણપતિનાં ગણ્રરાજ્યમાં ‘ગણક યંત્ર’  સમ્યક ક્રાંતિ લઇને આવ્યું છે.
              ઔરંગઝેબ ઇ.સ.૧૭૦૭ માં અવસાન પામેલો એ હું સને ૧૯૮૦ માં ભણેલો. આવી અનેક નકામી માહિતીના જાળા પચીસ-પચીસ વર્ષો સુધી મગજનાં કાતરીયામાં ભંગારની જેમ સંઘરાઇ પડેલા છે. જે આજે World Wide Web નામનું વિશ્વમાં ફેલાયેલું જાળા-યંત્ર આજનાં  બાળકને મુક્ત કરશે.
               માહિતી હાથવગી હોય પછી ગોખવાની ક્દાચ જરુર નહી પડે. પરંતુ, એ માહિતીને આધારે ડહાપણ અને સમજ્ણનો વિકાસ ના થાય તો ‘શિક્ષણ’ ક્ષીણ થતું જ્શે. ટી. એસ. એલિયટે તેની પંક્તિમાં માહિતી, જ્ઞાન અને ડહાપણ વચ્ચેની સૂક્ષ્મરેખા દોરી બતાવી હતી. ડહાપણ વિનાનું જ્ઞાન અને જ્ઞાન વિનાની માહિતી ઘણા ગોટાળા ગુંજવશે. પ્રત્યેકના મનમાં આકાંક્ષાઓનું એક વિશ્વ રચાતું રહે છે. પરિણામ સ્વરુપે વિજ્ઞાને આપણા હાથમાં અક્ષયપાત્ર મુકી દીધા છે, તે સાથે અવનવી સમસ્યા શૌકરુપે લેતું આવે છે જે પાત્ર ભિક્ષાપાત્ર બની રહે છે. રોજ નવ નવા ઉપકરણોના ઉકરડા આપણા જીવનમાં ખડકાતા જાય છે. ઇવાન ઇલીચે તેને માણસ પર ચઢી બેસનારા છે તેમ તેના “Tools for Conviviality” નામનાં પુસ્તક્માં બતાવ્યા છે. એલ્વીન ટોફ્લરે ” Future Shock”માં શબ્દ પ્રયોજ્યો છે ” Transience”. વિજ્ઞાનથી જે ઝડપે વસ્તુઓ,  માહિતી અને લોકો સાથેનાં સંબંધો બદલાતા રહેલા છે તે જોતાં,  માનવીય સંબંધો, કુટુંબજીવન અને મનોવિજ્ઞાન પર વિસ્ફોટ સર્જાય તો વિસ્મય અજુગતો નહી લાગે.

              ચાલો  મિત્રો, માનવયંત્રોનું સામૈયું કરવા જરુર તત્પર થઇએ. પણ?  એ મુક્તિદાતા ( લિબરેટર) બને એ શક્ય છે ખરું?  એક ચીજ જે કાયમી છે તે ફેરફાર. માન્યું.  પણ, માનવયંત્ર સાથે કામ કરતાં કરતાં થાકેલો માનવ પોતાની સાથે ઝઘડો કરનારા બીજા માનવને એમ ક્દાચ કહેતો હશે ” લડ્વાને બહાને પણ મારામાં જીવંત રસ લેવા બદલ આભાર”  

              તેમાં મારું પ્રાધાન્ય શેમાં?  મારો રોલ શું?  વિચારીએ, વલોવીએ, વહેતું કરીએ..

 

હે ઇશ્વર,

ધુમ્મસને ખોબામાં પકડી શકું તો! વ્હેતી પળોને સુંઘી શકું તો!

તને પ્રેમ કરવો એ મારું ગજું ક્યાં? ફ્ક્ત તારી ઝુલ્ફો, સવારી શકું તો!

મળે પગલાં તારા પડેલાં ગમે ત્યાં, ઉપાડી એ ઉબરે હું મૂકી શકું તો!

તને મારી રીતે હું  સમજ્યો હતો પણ, તને તારી રીતે હું સમજી શકું તો!

હે ઇશ્વર!    તને મારી રીતે હું  સમજ્યો હતો પણ, તને તારી રીતે હું સમજી શકું તો!!

આજનો આસવઃ

આશા અને અપેક્ષાઓ છોડાય તો?
સંતોષ ઘરમાં લવાય તો?
પ્રભુનો પ્રસાદ છે ‘આજ’ તેવુ મનાય તો?

જો જવાબ ના હોય તો
સુખી તમે કદી નહી હો
ભલેને અઢળક સંપત્તિનાં તમે ધણી હો

અપેક્ષાઓની ઉપેક્ષા જે કરે તે સુખી
એક રોટલાનાં બે ભાગ કરી વહેંચી જે ખાય તે સુખી
‘આજ’માં જીવે તે સુખી

Posted by: પ્રશાંત સોની | ઓક્ટોબર 31, 2009

અભિપ્રાય આવકાર્ય છે.

ખુબજ આભાર
મારા બ્લોગ મા આવવા બદલ તમારો ખુબજ આભાર.તમે આવ્યા છો તો તમારો અભિપ્રાય જરુર લખજો. મારા બ્લોગ નુ સરનામુ EMAIL ADDRESS: નીચે મુજબ છે send me naadyog@gmail.com

Older Posts »

શ્રેણીઓ