બે શબ્દ તે ‘પલાયનવાદ’ બીજો ‘અભિગમ’ ..
કહેવાતા વેવલા ધર્મથી માનવ પોતાની જાત પરનો પોતનો વિશ્વાસ, પોતાની બુદ્ધિ પરનો વિશ્વાસ ગુમાવી બેઠો છે, બુદ્ધિજીવી બુધ્ધિનિષ્ઠતા ખોઇ બેઠો છે. અને પ્રસાદમાં? અઢળક અંધશ્રધ્ધા, વાડવિનાના વહેમ, જટીલ જડતા, ભારોભાર ભાવવિહીનતા અને નિસ્તેજ નિષ્ક્રિયતા કોણ જાણે કેટકેટલું પામ્યો છે. ગુમરાહ ધર્મ સમજણની સ્મશાનયાત્રા કાઢતો રહ્યો છે અને હરિ જાણે! કેવા-કેવા અભિગમની આહુતિ આપતો રહ્યો છે!!
પ્રવાસમાં પગછુટો કરવા જાય તેમ ધર્મમાં જાણે મન છુટું કરવા; કોઇ પણ ગુરુ ઘંટાલના બક્વાસને બહાલી આપવા લાગ્યો.
આવા ચમત્કારાધિષ્ઠિત ધર્મના પહેલા ખોળાનું બાળક એ જ ‘પલાયનવાદ’, જેણે બ્રહ્મહત્યાથી ય ઘોર પાતક કર્યુ છે. અનેક ખિલતી કળીઓની સુવાસમાં ક્રુત્રિમતા, અનેક બાળકમાં ગો-પાળના ઘડતર વચ્ચે એક પાળ ઉભી કરી છે. એ ક્યારે પાળ પાડી શકશે? પલાયનવાદ અનેક પેઢીઓની ઘોર ખોદતો રહ્યો છે. અવિવેકનો અન્નકુટ કરતો રહ્યો છે, ભ્રષ્ટાચારનો ભોગ પુર્ણભાવથી ધરી રહ્યો છે. આવા ભક્તિના ગાંડાપુરમાં ભગવાનપણ કૃતકૃત્યતા અનુભવતા હશે.નહિ?
ભાંગ પીને બેઠેલા આપણે, ભગવાનને ભાગવા માટેની અને ભાંગવા માટેની એકેય જ્ગ્યા ખાલી નથી રાખી. કાચલીની પૂજા માં કૃતકૃત્યતા અનુભવતા આપણે સાચી સમજ્ણનો સાર્વત્રિક સ્યુસાઇડ કરી નાખ્યો છે.ભાવશૂન્ય મંદિરો બનાવીને આપણા પાપોને ઇટાલીયન મારબલ જેવા ચકચકિત કરી દીધા છે. વિઠ્ઠ્લનો વેપાર કરતાં મને જરાય ક્ચવાટ, ખચકાટ નથી. છતાં ગાઇ બજાડીને “મેરા ભારત મહાન”?
પોતાની વિચારશક્તિને માઇક્રોસોફ્ટમા જ શીફ્ટ કરનાર, પોતાની વિચારશક્તિ ને ગુગલમાં ગિરવે મુક્નાર ગુગલગ્રસ્તને આ નહિ દેખાતું હોય? અબુધની અણસમજ કરતાં અનેક ઘણી ઘોર, અપટુડેટ એમ.બી.એ ની અક્રિયાશીલતાએ ખોદી છે. આપણા હૃદયનો એનેસ્થેસિયા કોણ ઉતારશે?
ધર્મના નામે ધતિંગ બહુ કર્યા. હવે ધાડ મારવાનો વખત છે. રુઢિગત-સંસ્થાગત ધર્મના ધોતિયા કાઢીને, માનવગત, શાંતિગત, સમાધાનગત ધર્મ આ મા ભોમ -ધરતી ને ધરવો પડશે. મેક્સિક્ન રાઇસ અને ચાઇનીઝ રાઇસ ને બુફેમાં એક્સાથે જમનારા ને ઝઘડતાં જોયાં છે? બુફેભોજનમાં જેમ પોતે પોતપોતાની રુચિમુજ્બ વાનગી પીરસે, તેમ ધર્મ પણ સંસ્થા મટીને માનવ ઉન્નતિનું ઉદભવસ્થાન ત્યારે જ બને જ્યારે તેની વ્યક્તિગતતા ને મોકળાશ હોય, જેમાં શુધ્ધ હવાને આવકારવાની બારી હોય, ખામીઓને ખંખેરવાની મથામણ હોય અને નવા ઉન્મેષોને ઝીલવાનું સામર્થ્ય હોય.
તાજા અભિપ્રાયો